ગામિત જાતિ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ તાપી જિલ્લામાં આવેલી તાપી નદીની આજુબાજુ આવેલા વિસ્તાર માં વસવાટ કરતી એક આદિવાસી જનજાતિના લોકો છે.તાપી જિલ્લાના સોનગઢ,વ્યારા,વાલોડ,ઉચ્છલ તાલુકા,તથા સુરત જિલ્લાના માંડવી,માંગરોળ,ઉમરપાડા તેમજ ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં ગામીત જાતીની વસ્તી વઘુ પ્રમાણમાં જોવા મળે છે. ચપળ અને ખડતલ શરીર ધરાવતી આ જનજાતિના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે.તેઓ નાગલી, જુવાર, મકાઈ, ડાંગર, તુવર, અડદ તેમ જ શાકભાજીના પાકની ખેતીકરે છે. ખોરાક તરીકે આ લોકો નાગલીના રોટલા, મકાઈના રોટલા, ચોખાના રોટલા, જુવારના રોટલા તથા ભાતને અડદ, તુવર કે વાલની દાળ સાથે ખાય છે. મરચાંની ચટણી તેમ જ ડુંગળી સાથે પણ આ લોકો આરામથી રોટલા આરોગે છે. પહેરવામાં ધોતી તથા માથા પર પાઘડીનો ફેંટો તથા કોઇ વખતે ટોપી પહેરે છે.૫રંતુ હાલના વર્તમાન સમયમાં આવો ૫હેરવેશ જોવો દુર્લભ છે.ગામિત જાતિના લોકો ઉત્સવ ઉજવવાના શોખીન હોય છે. ખાસ કરીને વરસમા એક વખતે અનાજ કાપણીના દિવસો પછી કન્શરીમાતાના દેવસ્થાન ડુંગર પર જઇને અનાજના દાણાઓનો ચડાવો કરે છે. આ જાતી પફેલા ઢોર તથા મરઘા, બકરાઓ પાળતુ હોઇ વરસમાં ગોવાળ દેવના દેવસ્થાન ભેટ લઇને મિઝબાની કરવા ગામના લોકો સાથે મળીને જાયછે. તેમના પારંપરાગત વાજિંત્રોમાં તાપરુ, ઝાંઝ, ઢોલ ખુબ જ વિશાળ કદના હોય છે. જે લગ્ન પ્રસંગમાં કે કોઇપણ તહેવારની ઉજવણીમાં વગાડવામાં આવે છે. ઢોલના અલગ અલગ તાલને ચાળા કહેવાય છે. આ અલગ અલગ ચાળામાં અલગ અલગ પ્રકારનાં પગલાં ભરી લાઇનબંધ નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્ય સ્ત્રી-પુરુષો એકસાથે જ કરે છે તેમ જ લાંબા સમય સુધી ચાલે છે. ગામિત જાતિના લોકોનું પ્રિય પરંપરાગત નૃત્ય રોડાલી છે.ગામિત જાતિના લોકોની પરંપરાગત પોતાની અલગ બોલી છે, જે ગામીત બોલી તરીકે ઓળખાય છે.